બેલ્જિયમમાં 30 વર્ષથી ડાયમંડ ટ્રેડિંગ અને ફાઈનાન્સનો વેપાર કરતી પેઢીએ નાદારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ડાયમંડ પેઢીએ 142 કરોડ રૂપિયામાં નાદારી થઈ હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લાં 30 વર્ષથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ઉપરાંત ફાઈનાન્સનો પણ વેપાર કરતા હતા. ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે આ પેઢી કાચી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
યુક્રેન-રશિયા યુદ્ધ, પેલેસ્ટાઈન-હમાસ યુદ્ધની સ્થિત, બીજી તરફ ચાઈનિઝ લોકો દ્વારા ડાયમંડ જ્વેલરી ખરીદવાનું બંધ કરીને માત્ર ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું શરૂ કર્યુ છે. આ તમામ કારણોને લઈને ડાયમંડ માર્કેટમાં છેલ્લાં 2 વર્ષથી મંદી છવાયેલી છે. આ વર્ષે દિવાળીમાં કારખાનામાં કામના 8થી 10 કલાક કરતાં પણ ઓછા સમય ચાલ્યા હતા અને દિવાળી વેકેશન દિવાળીના 2 દિવસ પહેલાં પડે છે. પરંતુ આ વર્ષે દિવાળીના અઠવાડિયા પહેલાં જ દિવાળી વેકેશન પડી ગયું હતું. મંદીની ઝપેટમાંથી હીરા ઉદ્યોગને ઉગારવા માટે વેપારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે વર્ષ દરમિયાન અનેક હીરા પેઢીઓના ઉઠમણા થયા હતા અને ચિટિંગના બનાવો પણ બનવા પામ્યા હતા દરમિયાન બેલ્જિયમમાં પેઢીએ નાદારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે.