ભારતે વર્ષ 2025 સુધીમાં ટીબી (ક્ષય) રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. સરકારે નાણાકીય વર્ષ 2023માં આ કામ માટે 3400 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આજની તારીખે, તમામ સરકારી હોસ્પિટલોમાં ટીબીની સારવાર મફત છે અને દર્દીઓને સારવાર દરમિયાન તંદુરસ્ત આહાર માટે દર મહિને 1,000 રૂપિયા પણ મળે છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના તાજેતરના ડેટા પછી, આ લક્ષ્ય સુધીનો માર્ગ મુશ્કેલ લાગે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2023માં વિશ્વભરમાં 80 લાખથી વધુ ટીબીના કેસ જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે WHOએ વર્ષ 1995થી તેનો ટ્રેક રાખવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં કોઈપણ વર્ષમાં ટીબીના નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. આ આંકડાઓ ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે નાબૂદીની ઝુંબેશ છતાં, વૈશ્વિક ટીબીના 25% કેસ એકલા ભારતમાં નોંધાયા છે. ભારતમાં વર્ષ 2023માં ટીબીના કુલ 25 લાખ 37 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે અગાઉ વર્ષ 2022માં લગભગ 24 લાખ 22 હજાર કેસ નોંધાયા હતા.
સમગ્ર વિશ્વમાં વર્ષ 2023માં લગભગ 12 લાખ 50 હજાર લોકો ટીબીને કારણે મૃત્યુ પામે તેવી શક્યતા છે. જ્યારે ભારતમાં વર્ષ 2023માં ટીબીના કારણે 3 લાખ 20 હજારથી વધુ લોકોના મોત થયા છે.