બનાસકાંઠાનો એક પરિવાર પોતાના દીકરા-દીકરીના દીક્ષા ક્રાર્યક્રમ પહેલાં અંબાજી નજીકના જૈન મંદિરે દર્શને આવ્યો હતો. જ્યા રાત્રી રોકાણ દરમિયાન પાર્ક કરેલી કારમાંથી 80 તોલા સોનું અને એક લાખ ઉપરાતની રોકડ ચોર કારનો કાંચ તોડી ચોરી ગયા હતા. આ દરમિયાન ચોરોને જોઈ સુરક્ષાકર્મીઓએ એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી 14મી ડિસેમ્બરે દીક્ષા કાર્યક્રમ યોજાવાનો હતો તેમાં આ ઘરેણા તેમના સંતાનોને પહેરાવવાના હતા.જો કે ચોરી મામલે આ પરિવાર જૈન મંદિરની સુરક્ષા વ્યવસ્થા મામલે ગંભીર આક્ષેપો કર્યા છે.
બનાસકાંઠાના વાવમાં રહેતા પીયૂષ મહેતા છેલ્લા ઘણા સમયથી સુરતના વેસુ વિસ્તારમાં રહે છે અને પોતાનો ધંધો કરે છે. તેમના ગામ વાવમાં 14મી ડિસેમ્બરે તેમના દીકરા-દીકરીનો દીક્ષાનો મોટો કાર્યક્રમ યોજાવાનો છે. તે પહેલાં 5 નવેમ્બરે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે સુરતથી કાર લઈને કુંભારિયાના જૈન મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમને રાત્રે લગભગ 9 વાગ્યાના સુમારે સંસ્થામાં રૂમ ન આપતાં મોટો હોલ આપવામાં આવ્યો હતો. જેથી મહેતા પરિવાર તેમનો કિંમતી સામાન કારમાં મૂકીને હોલમાં સૂઈ ગયો હતો. રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે એક ચોર તેમની કારમાંથી 80 તોલાથી વધુ સોનું અને રોકડા 1.5 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. તે રાત્રે જ્યારે થોડો અવાજ સંભળાયો, ત્યારે સુરક્ષા કર્મચારીઓએ પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને 2 દિવસ થવા છતાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને પકડ્યો નથી. જેથી ફરિયાદીએ સંસ્થા પર અનેક આક્ષેપો કર્યા છે.
પીયૂષ મહેતાના પરિવારમાં કુલ 2 પુત્રો અને 2 છોકરીઓ છે. 5 વર્ષ પહેલાં મોટી પુત્રીએ આ સંસાર છોડીને દીક્ષા લીધી હતી. આગામી મહિનાની 14મી ડિસેમ્બરે તેમની નાનો દીકરો અને નાની દીકરી સાંસારિક જીવન છોડીને દીક્ષા લેવાના છે.