વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં11 નવેમ્બર બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે.
IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થયા બાદ ભિષણ આગ ફાટી નીકળી હતી. આ આગ વડોદરાના ફાયર વિભાગ દ્વારા કાબુમાં ન આવતા અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર અને વડોદરા ગ્રામ્ય સહિતની ફાયર વિભાગની ગાડીઓ મંગાવવામાં આવી છે. આ આગની ઘટનામાં ત્રણ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે ઇજાગ્રસ્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ આગ કાબૂમાં લેનાર એક ફાયરકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે. હાલ ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 15 કલાક સુધી સમગ્ર કોયલી વિસ્તાર ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સના અવાજથી ગુંજતો રહ્યો હતો.
IOCL રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 15 કલાકથી વધુની જહેમત બાદ ફાયર વિભાગે આજે સવારે 7 વાગ્યાની આસપાસ સંપૂર્ણ સ્થિતિ કાબુમાંમાં હોવાની માહિતી આપી છે.