મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે, સોમવારે સાઉદી અરેબિયાના રિયાધમાં એક મહત્વપૂર્ણ પરિષદ યોજાઈ હતી. આરબ અને ઈસ્લામિક દેશોની આ સંયુક્ત કોન્ફરન્સમાં ઈઝરાયેલ દ્વારા ગાઝા અને લેબનોન પર કરવામાં આવી રહેલા હુમલાઓ અંગે ઘણી ચર્ચા થઈ હતી. આ દરમિયાન બધાએ એક અવાજે કહ્યું કે ગાઝા અને લેબનોનમાં હુમલા બંધ થવા જોઈએ.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કોન્ફરન્સમાં ભાષણ આપ્યું હતું. ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારની નિંદા કરતા તેમણે કહ્યું કે, “લેબનોન અને ગાઝામાં યુદ્ધનો તાત્કાલિક અસરથી અંત લાવવો જોઈએ.” આ પછી કોન્ફરન્સમાં આવેલા અન્ય મહેમાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને બધાએ ઈઝરાયેલના હુમલાને ખોટા ગણાવ્યા.
કોન્ફરન્સમાં પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઈનનો અધિકાર વ્યક્ત કર્યો હતો. “ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો અભિન્ન ભાગ છે અને ભવિષ્યના કોઈપણ ઉકેલમાં પશ્ચિમ કાંઠે અને ગાઝા પટ્ટીનો સમાવેશ થવો જોઈએ,” તેમણે કહ્યું. આ સિવાય અબ્બાસે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે પૂર્ણ સભ્યપદ આપવાનું પણ આહ્વાન કર્યું હતું.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ કહ્યું કે તેમનો દેશ ‘ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકોની હત્યા અભિયાનની નિંદા કરે છે. તેમનો દેશ પેલેસ્ટિનિયન મુદ્દાને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવતી દરેક યોજનાની વિરુદ્ધ હશે, પછી તે સ્થાનિક લોકોને વિસ્થાપિત કરવાનો હોય કે ગાઝા પટ્ટીને નિર્જન વિસ્તારમાં ફેરવવાનો હોય. આ યોજનાઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.