અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બર 2024ના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ફ્રી આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો. બાદ બોરીસણા ગામમાંથી 19 લાભાર્થીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા લાવવામાં આવ્યા હતા, જ્યાં કોઈપણ પ્રકારની જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી આમાંથી 2 લોકોના મોતનો ગ્રામજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.
હવે મળતી જાણકારી મુજબ ખ્યાતિ હોસ્પિટલે બોરીસણા ગામમાં કરેલો આ મેડિકલ કેમ્પ આરોગ્ય વિભાગની મંજૂરી લીધા વગર કર્યો હતો અને અગાઉ 4 કેમ્પ આ રીતે જ કર્યા હતા
માર્ચ-2023માં ખંડેરાવપુરા પ્રાથમિક શાળામાં કેમ્પ યોજ્યો હતો, જેમાંથી કુલ 13 દર્દીઓ હોસ્પિટલ લઇ જવાયા હતા. 4 દર્દીઓનું ઓપરેશન કરાયું હતું, જેમાં કોઈ મોત નથી.સપ્ટેમ્બર-2024માં કણજરી ગામ પ્રાથમિક શાળામાં કેમ્પ યોજ્યો હતો, જેમાંથી કુલ 12 દર્દીઓને હોસ્પિટલ લઇ જવાયા, જેમાં કોઈ પણ દર્દીનું ઓપરેશન નથી કરાયું. ઓક્ટોમ્બર-2024માં લક્ષ્મણપુરા ગામની દૂધ મંડળી ખાતે કેમ્પ યોજયો, જેમાંથી કુલ 5 દર્દીઓને હોસ્પિટલમાં લઇ જવાયા, જેમાં 3 દર્દીઓના ઓપરેશન કરાયા. ઓક્ટોમ્બર-2024માં વાઘરોડા ગામે પ્રાથમિક શાળામાં કેમ્પ યોજ્યો, જેમાંથી કુલ 23 દર્દીઓને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 20 દર્દીઓની એન્જીઓગ્રાફી કરાઈ, જેમાં 1 દર્દીનું મોત નીપજ્યું હતું.






