ઉત્તર પ્રદેશના મેરઠમાં કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પ કૌભાંડથી હાહાકાર મચ્યો છે. આમાં સ્ટેમ્પ ખરીદનારાઓ પણ બરાબરના ફસાયા છે. આ મામલામાં અત્યાર સુધીમાં 997 કેસ નોંધાયા છે, જેમાં રજિસ્ટ્રી વિભાગે નોટિસો પણ મોકલી છે. આ કૌભાંડમાં સ્ટેમ્પ એડવોકેટ વિશાલ વર્માનું નામ સામે આવ્યું છે અને તેને આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યો છે. અનેક લોકોએ વિશાલ પાસેથી સ્ટેમ્પ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.
કૌભાંડનો ખુલાસો થયા બાદ રજિસ્ટ્રી વિભાગે સ્ટેમ્પ ખરીદનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રિકવરીની કામગીરીમાં લાગી ગયું છે. તો બીજી તરફ ખરીદનારાઓનું કહેવું છે કે, અમે પોતે જ છેતરપિંડીનો શિકાર થયા છીએ. અમે તે સમયે એડવોકેટ પર વિશ્વાસ રાખીને સ્ટેમ્પ ખરીદ્યા હતા અને રજિસ્ટ્રી વિભાગના અધિકારીઓએ તેને મંજૂરી પણ આપી દીધી હતી. જોકે હવે તપાસ કરવામાં આવી, તો તમામ સ્ટેમ્પ નકલી હોવાનું સામે આવ્યું છે.
કૌભાંડનો શિકાર થયેલા પીડિતોએ આરોપી એડવોકેટ વકીલ વિશાલ શર્મા વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે. એક ફરિયાદીએ કહ્યું કે, મેં વિશાલ પાસે પ્રોપર્ટી વેંચવાના અને ખરીદવાના દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવ્યા હતા. આ માટે મેં તેને એક લાખ રૂપિયા આપ્યા હતા અને રજિસ્ટ્રી કરવામાં આવી હતી. ત્યારબાદ રજિસ્ટ્રી વિભાગે મને મે-2024માં સ્ટેમ્પ ચોરીની નોટિસ મોકલી હતી. પછી મેં તપાસ કરી તો મારી એક રજિસ્ટ્રીમાં એક લાખનો સ્ટેમ્પ નકલી હોવાનું લાગ્યું છે.
એવું કહેવાય છે કે, વિશાલ શર્માએ એક દાયકામાં હજારો રજિસ્ટ્રીમાં નકલી સ્ટેમ્પના ઉપયોગ કર્યા છે. રજિસ્ટ્રી વિભાગને ગત વર્ષે બે શંકાસ્પદ સ્ટેમ્પ મળ્યા હતા, જેની તપાસ કરાતા નકલી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષમાં રજિસ્ટ્રી કરાયેલા સ્ટેમ્પનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એવો ઘટસ્ફોટ થયો કે, આવી વિશાલ શર્મા દ્વારા 997 રજિસ્ટ્રિ કરવામાં આવી છે. આરોપીએ સ્ટેમ્પ ખરીદનારાઓના નામે સ્ટેમ્પ ખરીદ્યા હતા, તેથી રજિસ્ટ્રેશન વિભાગે સ્ટેમ્પ ખરીદનાર 997 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે. આ ઉપરાંત આટલા કેસો એસઆઈટી સ્ટેમ્પના કોર્ટમાં દાખલ કરાયા છે. AIGમાં કેસ નોંધાયા બાદ સ્ટેમ્પના રકમની રિકવરી કરવામાં આવી રહી છે. કેસ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.