અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસની ડિમાન્ડને લઈને છેલ્લાં 5 મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડનું એક્સપોર્ટ થયું છે. અત્યારથી જ વેપારીઓ દ્વારા ડાયમંડના ઓર્ડર આપવાની શરૂઆત કરી દીધી હોવાથી નવેમ્બરમાં પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હીરા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ વર્ષ 2023ના ઓક્ટોબર મહિનાની સરખામણીમાં વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં પણ નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 12.39 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023ના ઓક્ટોબરમાં 10495 કરોડનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબરમાં 11795.83 કરોડના ડાયમંડનું એક્સપોર્ટ થયું છે.
વર્ષ 2023ના ઓક્ટોબરમાં 8603.33 કરોડની જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં 9449.37 કરોડ રૂપિયાની જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી. ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં 9.88 ટકાનો વધારો થયો હતો.2023ના ઓક્ટોબરમાં 1135 કરોડના કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ થયું, જ્યારે 2024માં 1160.70 કરોડના લેબગ્રોન હીરા એક્સપોર્ટ થયા હતા.
પ્લેઈન ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ : 2023ના ઓક્ટોબરમાં 3748.52 કરોડની પ્લેઈન ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ થઈ, આ ઓક્ટોબરમાં 3759.92 કરોડની પ્લેઈન ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી .સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 17.19 ટકાનો વધારો થયો હતો. વર્ષ 2023ના ઓક્ટોબર મહિનામાં 4854.81 કરોડ જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં 5689.45 કરોડની સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી.