મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. તેનું પરિણામ 23મી નવેમ્બરે આવશે. ચૂંટણીપ્રચારના દદુંભિ સોમવારે સાંજે 6.00 વાગ્યાથી શમી જશે. આ પછી ઉમેદવારો મતદારોનો રૂબરૂ અથવા ઘેર ઘેર જઈને સંપર્ક કરીને રીઝવવાનો પ્રયાસ કરશે, કારણ કે તેમની પાસે ફક્ત દોઢ દિવસ રહેશે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાષ્ટ્રવાદીના શરદ પવાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓએ પ્રચારમાં કોઈ કસર બાકી રાખી નહોતી. રાજ્યમાં વિવિધ ઠેકાણે અનેક સભાઓ યોજાઈ હતી, જેમાં એકબીજા પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ આખરી દાવ તો મતદારોના જ હાથોમાં છે.
આ વખતે વિધાનસભાની ચૂંટણી અત્યંત વિશેષ છે, કારણ કે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી શરદ પવાર, શિવસેના ઉદ્ધવ ઠાકરે પહેલી વાર વિધાનસભામાં એકત્ર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ભાજપ, શિવસેના એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી અજિત પવાર છે. ગત ચૂંટણી પછી શિવસેના અને રાષ્ટ્રવાદીમાં ઊભી તિરાડ પડી હોવાથી આ વખતનાં રાજકીય સમીકરણ સાવ બદલાઈ ગયાં છે. આથી મતદારો કોને કોલ આપશે તે હમણાંથી કહેવાનું મુશ્કેલ છે.
મહાયુતિ અને મહાવિકાસ આઘાડી સત્તા પોતાના જ હાથોમાં આવશે એવા દાવા કરી રહ્યા છે, પરંતુ રાજકીય નિરીક્ષકોનો અંદાજ એવો છે કે બદલાયેલાં રાજકીય સમીકરણો ત્રિશંકુ પરિસ્થિતિ સર્જી શકે છે, જે પછી તોડમોડ અને જોડમોડનું રાજકારણ ખેલાઈ શકે છે. લોકસભામાં મહાયુતિને ધારી સફળતા મળી નહોતી, જ્યારે મહાઆઘાડીને સારી સફળતા મળી હતી. જોકે વિધાનસભામાં તે સ્થિતિ જળવાઈ રહે એવી શક્યતા ઓછી હોવાનું નિરીક્ષકો કરી રહ્યા છે.
રાજ્યના 288 મતદારસંઘમાં કુલ 4 હજાર 136 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય પક્ષ સહિત નોંધણીકૃત એમ કુલ 158 રાજકીય પક્ષ ચૂંટણીના મેદાનમાં છે. સૌથી વધારે 237 ઉમેદવાર બહુજન સમાજ પક્ષે મેદાનમાં ઉતાર્યા છે તો એ પછીના ક્રમે વંચિત બહુજન આઘાડીએ 200 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. એ સાથે 2 હજાર 86 અપક્ષ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે, જેમાં અસંખ્ય બળવાખોરોનો પણ સમાવેશ છે.