ભરૂચમાં ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જંબુસરના મગણાદ ગામ પાસે રસ્તા ઉપર ઉભી રહેલી ટ્રકમાં ઈકો કાર ઘૂસી જતા 2 બાળક, 2 મહિલા અને 2 પુરૂષના મૃત્યુ થયા હતા. તથા 4 લોકો ગંભીર રીતે ધાયલ થયા હતા.
ભરૂચ જિલ્લાના જબુંસર-આમોદ માર્ગ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હોવાની માહિતી મળી હતી. જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના પતરા કાપીને મૃતદેહ અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. જબુંસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.