શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો, માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
અનિલ દેશમુખ નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રના નરખેડથી ચૂંટણી સભા પૂરી કરીને કાટોલ શહેર તરફ આવી રહ્યા હતા, ત્યારે જલાલખેડા રોડ પર કોઈએ તેમની કાર પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારામાં અનિલ દેશમુખને માથામાં ઈજા થઈ હતી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને NCP (શરદ જૂથ)ના નેતા અનિલ દેશમુખના સમર્થકો દાવો કરે છે કે તેમના પર નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં હુમલો કરવામાં આવ્યો હતો. અનિલ દેશમુખના પુત્ર સલિલ દેશમુખ કાટોલથી ચૂંટણી લડી રહ્યા છે. અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ઘાયલ થયા હતા. અનિલ દેશમુખ નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રના નારખેડથી ચૂંટણી સભા પૂરી કરીને તીન ખેડા બિશ્નૂર રોડથી કાટોલ શહેર તરફ આવી રહ્યા હતા, ત્યારે જલાલખેડા રોડ પર અજાણ્યા તોફાની તત્વોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો.
આ પથ્થરમારામાં અનિલ દેશમુખને માથામાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે કાટોલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેઓ તેમના પુત્ર સલિલ દેશમુખના પ્રચાર માટે કાટોલમાં ગયા હતા. હુમલા પાછળનો હેતુ અને ગુનેગારોની ઓળખ સ્પષ્ટ નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ માટે કામ કરી રહી છે.