ફેંગલ વાવાઝોડું 30 નવેમ્બરના રોજ સાંજે 7:30 વાગ્યે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમની વચ્ચેના દરિયાકાંઠે ટકરાયું હતું. નબળું પડયા બાદ વાવાઝોડું 2 ડિસેમ્બરના રોજ કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ પહોંચ્યું હતું. આ રાજ્યોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે.બંગાળની ખાડીમાંથી સર્જાયલું ફેંગલ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં 12 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી સ્ટાલિને સોમવારે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં આ વાત જણાવી હતી. તેમણે લખ્યું- અમારા પુરતા પ્રયાસો કરવા છતાં બધું ખતમ થઈ ગયું.
મુખ્યમંત્રીએ કહ્યું, વાવાઝોડાથી 69 લાખ પરિવારોના 1.5 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. વિલ્લુપુરમ, તિરુવન્નામલાઈ અને કલ્લાકુરિચીમાં એક જ દિવસમાં મોસમનો (50 સે.મી.થી વધુ) વરસાદ પડ્યો, જેના કારણે પૂર આવ્યું. 2,416 ઝૂંપડીઓ, 721 ઘરો, 963 પશુઓ મૃત્યુ પામ્યા, 2 લાખ હેક્ટર જમીનને નુકશાન થયું, 9,000 કિલોમીટરના રસ્તાઓ, 1,936 શાળાઓનો વિનાશ થયો. કામચલાઉ ધોરણે બધું ઠીક કરવા માટે 2,475 કરોડ રૂપિયાની જરૂર પડશે. NDRF ફંડ દ્વારા 2 હજાર કરોડ રૂપિયાની તાત્કાલિક મદદ કરો.
પુડુચેરીમાં વરસાદનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ચક્રવાત ફેંગલ 1 ડિસેમ્બરે દરિયાકાંઠે ટકરાયા પછી નબળું પડ્યું હતું, પરંતુ તેની અસરને કારણે, મૂશળધાર વરસાદના પરિણામે પુડુચેરીમાં 24 કલાકમાં 49 સેમી વરસાદ થયો હતો. આ 20 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સેનાને પણ બોલાવવામાં આવી હતી. સેનાએ 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. એક હજાર લોકોને રાહત શિબિરોમાં પણ ખસેડવામાં આવ્યા છે.