રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ગઈકાલે અમદાવાદનાં નરોડા-દહેગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં નશામાં ધૂત કારચાલકે એક્ટિવા સવાર બે યુવકને અડફેટે લેતા તેમનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે મોડી રાતે મહેસાણામાંઊંઝા હાઈવે પર વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના ઘટી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાનાં ઊંઝા હાઇવે પર ગત મોડી રાતે ઇકો કારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. ઊંઝાથી સિદ્ધપુર જતી ઇકો કાર રસ્તામાં અચાનક એક ગાય આવી જતાં અથડાઈ હતી અને કાર ડિવાઇડર કૂદીને સામેની સાઇડમાં પટકાઈ હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર મુસાફરો પૈકી 2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે, અકસ્માતમાં ઈકો કારનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને પોલીસને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે અમદાવાદમાં નરોડા-દહેગામ હાઇવે પર ચિક્કાર દારૂનાં નશામાં એક ચાલકે બેફામ રીતે કાર હંકારી હતી અને ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કાર કોઈ ફિલ્મી સ્ટંટની જેમ ડિવાઇડર કૂદીને હવામાં ફંગોળાઈ સામેની સાઇડથી આવતા એક્ટિવા પર પડી હતી. અકસ્માતમાં એક્ટિવા સવાર બે આશાસ્પદ યુવકોના મોત નીપજ્યા હતા. ગોઝારા અકસ્માતની આ ઘટના CCTV માં કેદ થઈ હતી. જ્યારે, અકસ્માત સર્જ્યા બાદ કારચાલકનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે સ્વીકારે છે કે ઘટના સમયે તેણે દારૂ પીધો હતો. હાલ, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.