સુરતના શહેરના વિકાસ માટે નોંધપાત્ર પ્રોજેક્ટ તરીકે ડ્રીમ સિટીમાં ‘ભારત બજાર’ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં લક્ઝરી મોલની સાથે આર્ટીશન વિલેજ-મ્યુઝિયમ તૈયાર કરાશે. દુબઈની માફક રિટેઈલ માર્કેટ અને ચાઈનાની માફક હોલસેલ માર્કેટ ઊભુ કરવાનો એક પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ બજારમાં વેપારના બે વૈશ્વિક મોડેલ અપનાવવામાં આવશે, જે હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગોનો તો વિકાસ કરશે જ સાથોસાથ “વોકલ ફોર લોકલ” અભિયાનને આગળ ધપાવવા માટે પણ મદદરુપ સાબિત થશે.
ડ્રીમ સિટીમાં જે ‘ભારત બજાર’ ઊભી કરવામાં આવશે, તેમાં B2B અને B2C (બાયર ટુ કસ્ટમર) બંને પ્રકારના વ્યવસાયને પ્રોત્સાહન આપવામાં આવશે. જે ભારતના વેપાર અને ઉદ્યોગ માટે એક નવી દિશા આપશે. દુબઈનું B2C વ્યવસાય મોડલ (બાયર ટુ કસ્ટમર) વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે, જ્યાં ગ્રાહકો સીધા ઉત્પાદકો પાસેથી ખરીદી કરે છે. બીજી બાજુ, ચીનનું B2B મોડલ (બાયર ટુ બાયર) એવા વ્યવસાય માટે પ્રખ્યાત છે, જ્યાં મોટાપાયે વેપારીઓ અને વિતરણકારો ખરીદી કરે છે. “ભારત બજાર”માં આ બંને મોડલને એકત્રિત કરીને એક નવી વ્યવસ્થાને ઉજાગર કરવી છે, જેથી જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સ્ટાઇલ્સ અને એપરલ્સ ક્ષેત્રમાં વેપાર વિકાસ પામે.
“ભારત બજાર”માં દુબઈના B2C મોડલ પ્રમાણે ગ્રાહકો માટે ખરીદીના સારા વિકલ્પો ઉપલબ્ધ રહેશે. આ સાથે ચીનના B2B મોડલ મુજબના મંચની રચના થશે, જે વેપારીઓ માટે સારો માળખુ પૂરું પાડશે. પ્રોજેક્ટમાં લક્ઝરી મોલની સાથે આર્ટીશન વિલેજ અને આર્ટીશન મ્યુઝિયમ તૈયાર કરાશે. “વોકલ ફોર લોકલ” અભિયાનને આગળ ધપાવવા ભારતીય હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવશે. અહીં સ્થાનિક કારીગરો પોતાની હસ્તકલા પ્રદર્શિત કરી શકશે. ટેક્સ્ટાઇલ્સ, એપરલ્સ, અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે વિશેષ સ્થાન બનાવવામાં આવશે, જ્યાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો તથા વેપારીઓ આવી શકો એવો ઉદ્દેશ છે.