રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે. આજે બે અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં તે ટ્રકમાં ભટકાતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. બીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રીજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પુરપાટ થતી કારનુ એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કુદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે બે વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સુરતથી જૂનાગઢ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકને ઝોકુ આવતાં બસ આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.