18મી લોકસભાની બેઠક વ્યવસ્થાને અંતિમરૂપ અપાયા બાદ ઈન્ડિયા ગઠબંધનના બે સાથી પક્ષ વચ્ચે વ્યવસ્થાને લઈ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના પત્ની સાંસદ ડિંપલ યાદવે બેઠક વ્યવસ્થાને લઈ નારાજ થયા છે. અયોધ્યાના સીનિયર સાંસદ અવધેશ પ્રસાદને પહેલી હરોળમાંથી ખસેડી બીજી હરોળમાં બેઠક વ્યવસ્થા ફાળવાઈ છે, જેના કારણે અખિલેશે વાંધો ઉઠાવ્યો છે. અવધેશ અગાઉ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની બાજુમાં બેસતા હતા.
18મી લોકસભામાં નવી બેઠક વ્યવસ્થામાં અવધેશ પ્રસાદને બીજી હરોળમાં બેઠક ફાળવવામાં આવી છે. પરંતુ કોંગ્રેસે આ મુદ્દે અખિલેશને માહિતી આપી ન હોવાથી વિવાદ ઉભો થયો છે. અખિલેશને બેઠક વ્યવસ્થામાં ફેરફાર પહેલા વિશ્વાસમાં ન લીધા હોવાથી અને સૂચના પણ આપી ન હોવાથી વાંધો ઉઠાવ્યો છે. વાસ્તવમાં ઈન્ડિયા ગઠબંધનની આગેવાની કરતી કોંગ્રેસ મુખ્ય વિપક્ષ દળની ભૂમિકામાં છે અને તેઓ જ સાથી પક્ષોને બેઠકની ફાળવણી કરે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભામાં બેઠક વ્યવસ્થાની પ્રથમ લાઈનમાંથી સમાજવાદી પાર્ટીની બે બેઠકો હતી, જોકે સરકારે તેને ઘટાડીને એક કરી દીધી છે. જેના કારણે કોંગ્રેસે સરકાર સમક્ષ મુદ્દો ન ઉઠાવતા અખિલેશ નારાજ થયા છે. બીજીતરફ રસપ્રદ વાત એ છે કે, DMK પાર્ટીના નેતા ટી.આર.બાલુએ કોંગ્રેસને વિનંતી કરી કે, તેમને રાહુલ ગાંધીની બાજુમાં આગળની હરોળમાં બેસાડવામાં આવે.
નારાજ સપા સાંસદ દેખાવોમાં પણ સામેલ ન થયા
ગૃહની કાર્યવાહી વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અદાણી-મોદી મુદ્દે દેખાવો કર્યા હતા, જોકે તેમાં એકપણ સમાજવાદી પાર્ટીના સાંસદો સામેલ થયા ન હતા. સાંસદ ડિમ્પલ યાદવે બેઠક વ્યવસ્થાનો મામલો અધ્યક્ષ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અમે લોકસભામાં પ્રથમ હરોળમાં વધુ એક બેઠક આપવા માટે અધ્યક્ષને વિચારણા કરવા કહ્યું છે. અમને વિશ્વાસ છે કે, તેઓ અમારી વાત સાંભળશે. અખિલેશ નારાજ થયા હોવા મુદ્દે ડિંપલે કહ્યું કે, આવી કોઈ વાત નથી, બેઠકો અંગે અધ્યક્ષ જ નિર્ણય લે છે અને તેમની સાથે વાત થઈ ગઈ છે.