જમ્મુ-કાશ્મીર,લેહ લદાખ અને શિમલા સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ હાલ ધીરે-ધીરે શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. ઠંડીમાં સતત વર્તાઈ રહેલા ચઢાવ-ઉતાર વચ્ચે મહત્તમ અને લઘુતમ તાપમાનનો આંક ગણતરીના કલાકોમાં જ ત્રણથી ચાર ડિગ્રી જેટલો એકાએક ઘટી જતાં ઠંડીના ઓચિંતા આક્રમણથી જનજીવન ઊંઘતું ઝડપાયું છે.
ગુજરાતના સિમલા તરીકે ઓળખાતાં નલિયા ખાતે ચાલુ શિયાળામાં પહેલી વાર ૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું સિંગલ ડિજિટ લઘુતમ તાપમાન નોંધાતાં તીવ્ર બની રહેલા ઠારના ટોર્ચરથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે. પૂર્વ કચ્છના રાપર અને ભારત પાકિસ્તાનની અંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો જેવાં કે,બાલાસર, લોદ્રાણી,બેલા ,લાકડા વાંઢ, વૃજવાણીમાં તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું રહેવા પામતા જનજીવનને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડી સાંજ પછી લોકોની અવરજવર પાંખી થઇ જવા પામી છે. હિમવર્ષાને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં પવનોના સુસવાટા સાથે ઠંડી હજુ વધવાની આગાહી કરી છે.