ભાજપે રવિવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી એક સંગઠન સાથે સંકળાયેલા છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરે છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું આ સંગઠનનું નામ ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP) છે. સોનિયા તેના કો-ચેરપર્સન (CO) છે.
કોંગ્રેસ પર ભાજપના બે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પણ જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન પાસેથી ફંડ મળ્યું છે. આ ફંડનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધી ઘણી વખત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP)ના રિપોર્ટને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરે છે. OCCRP જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવે છે. આ બંને કોંગ્રેસ સાથે મળીને ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવા અને મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપે એક્સ પોસ્ટમાં દાવો કર્યો છે કે, સોનિયા ગાંધી કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરતી FDL -AP સંસ્થાની સહ-અધ્યક્ષ છે. ભાજપે કહ્યું- OCCRP અને રાહુલ મળીને ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે 5 ડિસેમ્બરે બીજેપી સાંસદ સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે OCCRPને અમેરિકી સરકાર તરફથી ઘણું ભંડોળ મળે છે. આ ઉપરાંત આ સંસ્થા અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પાસેથી પણ પૈસા મેળવે છે. જેથી કરીને ભારત વિરોધી અભિયાન ચલાવી શકાય. ભાજપનું કહેવું છે કે, સંસદ સત્ર પહેલા જાણી જોઈને ભારતીય ઉદ્યોગપતિઓ વિરુદ્ધ અહેવાલો લાવવામાં આવે છે. જેથી સંસદનું કામકાજ ન થઈ શકે. આના કારણે ભારતને નુકસાન થશે અને ભારતીય ઉદ્યોગપતિઓ ખીલશે નહીં. આ રાહુલ ગાંધીનો પ્રયાસ છે.
સંબિત પાત્રાએ કહ્યું, ગાંધી પરિવાર એક એવો પરિવાર છે, જે પોતાની ખુરશી માટે દેશ વેચતા પણ ખચકાશે નહીં. રાહુલ ગાંધી દેશદ્રોહી છે અને મને આ કહેવામાં કોઈ સંકોચ નથી. યુએસ સરકારે ભાજપના આ આરોપોને ફગાવી દીધા છે. અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા મીડિયાની સ્વતંત્રતાનું સમર્થક છે. તે OCCRP ને ભંડોળ આપતું નથી. OCCRPએ પણ ભાજપના આરોપોને ફગાવી દીધા હતા.