તબીબી ભથ્થાનો લાભ ન મળતાં નગરપાલિકાના કર્મચારીઓ સરકાર સામે શિંગડા ભરાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યારે રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓ આ સરકારી લાભથી વંચિત રહ્યાં છે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, ‘જો નિર્ણય નહી લેવાય તો, રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓ હડતાળ પાડશે જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે.’
એક તરફ, પંચાયત-પાલિકાની ચૂંટણીઓના બ્યૂગલ વાગવાની તૈયારી છે. રાજ્ય ચૂંટણીપંચ ચૂંટણીઓ યોજવા આયોજન કરી રહ્યુ છે. ત્યારે બીજી તરફ, રાજ્યની નગરપાલિકાની કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ આદરી રહ્યાં છે. કારણ કે, તબીબી ભથ્થુ ચૂકવવામાં સરકારે ભેદભાવની નીતિ અખત્યાર કરી છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે 100 રૂપિયા અપાય છે.
પાલિકાના કર્મચારીઓનું કહેવુ છે કે, ‘વર્ષ 2022માં રાજ્ય સરકારે તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવા મોટા ઉપાડે પરિપત્ર જાહેર કર્યો છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તો તબીબી ભથ્થાંના વધારાનો લાભ મળી રહ્યો છે. જ્યારે પાલિકાના 17 હજાર કર્મચારીઓને સરકારે જાણે કોણીએ ગોળ ચોટાડ્યો છે. હજુ સુધી આ પરિપત્રનો અમલ કરાયો નથી.