ગુજરાતમાં નાગરિકોને હોસ્પિટલમાં રાહત દરે સારવાર મળે તે માટે સરકાર દ્વારા આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકાઈ છે. ત્યારે બીજી તરફ ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો પણ ઊઠી છે.હવે રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ ખાનગી હોસ્પિટલોમાં દવાનાં નામે લૂંટ પર લગામ લાગશે.
રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર હેઠળ હવે હોસ્પિટલનાં જ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી મરજિયાત કરાઈ છે. હવેથી હોસ્પિટલો ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવાની ખરીદી માટે દર્દીને ફરજ પાડી શકશે નહીં. આ હોસ્પિટલનાં દર્દીઓએ અહીંથી જ દવા ખરીદવી હવે ફરજિયાત નથી. પરિપત્ર અનુસાર, હવેથી મેડિકલ સ્ટોરની બહાર સંચાલકોએ બોર્ડ લગાવવાનું પડશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને જીવનજરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. પરિપત્રમાં લખ્યું કે, તંત્રનાં ધ્યાન પર આવ્યા મુજબ, રાજ્યમાં આવેલ હોસ્પિટલોદ્વારા સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોરખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે, જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજ સહન કરવો પડે છે. જાહેર જનતાનાં હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરનાં સંચાલકોને -“આ હોસ્પિટલનાં દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું છે. હવેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકશે.