રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને પરમાણુ સુરક્ષા બળના ચીફ ઇગોર કિરિલોવની મોસ્કોમાં હત્યા કરી દેવામાં આવી છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે જનરલ કિરિલોવ અપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા તે સમયે નજીકમાં જ પાર્ક સ્કૂટરમાં બ્લાસ્ટ થઈ ગયો. જેમાં કિરિલોવ સાથે-સાથે તેમનો આસિસ્ટન્ટ પણ મૃત્યુ પામ્યો છે.
આ બ્લાસ્ટ મોસ્કોના રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિનથી માત્ર 7 કિમી દૂર થયો હતો. રશિયાની તપાસ એજન્સીએ જણાવ્યું કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીએ ગુનાહિત હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. કિરિલોવને એપ્રિલ 2017માં ન્યુક્લિયર ફોર્સેસના ચીફ બનાવવામાં આવ્યા હતા. તેઓ રશિયાના રેડિએશન, કેમિકલ અને જૈવિક હથિયાર જેવા વિભાગોના ચીફ રહી ચૂક્યા હતા. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનાથી બિલ્ડિંગના ચોથા માળ સુધીની બારીઓના કાચ તૂટી ગયા હતા. યુએન ટૂલ મુજબ, લગભગ 17 મીટર (55 ફૂટ) ના અંતરે આવેલી કાચની બારી પણ 300 ગ્રામ TNT વિસ્ફોટક દ્વારા તોડી શકાય છે. આ સિવાય આ વિસ્ફોટક બ્લાસ્ટમાં 1.3 મીટર દૂર આવેલા ઘરને પણ નુકસાન પહોંચાડી શકાય છે.