હાલોલ બસસ્ટેન્ડ પાસે આવેલા નારાયણ કોમ્પ્યુટર અને જય મહાકાળી કોમ્પ્યુટર સેન્ટરોમાં પાલિકામાંથી અપાતા જન્મના પ્રમાણપત્રો પોતાના કોમ્પ્યુટરમાં પરવાનગી વગર ગેરકાયદે રીતે બનાવટી પ્રિન્ટ કરી રૂપિયા લઈને વેપલો કરાતો હોવાની બાતમી ચીફ ઓફિસર હીરલ ઠાકરને મળી હતી. કૌભાંડનો પર્દાફાશ કરવા ભેજાબાજોને મુદામાલ સાથે રંગેહાથ પકડવા ‘ઓપરેશન ડુપ્લિકેટ પ્રમાણપત્ર’ નામે ઓપરેશન હાથ ધરી કર્મચારીઓની બે જુદી જુદી ટીમો બનાવી હતી.
ચીફ ઓફિસરે ઓળખ છુપાવવા બુરખો ધારણ કરી એક જ સમયે બન્ને સેન્ટરો પર છાપો મારતા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. દરોડા દરમિયાન બન્ને સેન્ટરો પર કોમ્પ્યુટરમાંથી નગરપાલિકાનાં બનાવટી જન્મપ્રમાણપત્રોની ગેરકાયદે પ્રિન્ટો નીકળી રહી હતી. પાલિકાએ બન્ને સેન્ટરો પરથી જન્મપ્રમાણપત્રોની કોરી અને પ્રિન્ટ કરેલાં જન્મ પ્રમાણપત્રોનો જથ્થો, કોમ્પ્યુટર સહિતની સામગ્રી કબજે કરી સ્થળ પર જ પંચનામું કરી ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્ર પ્રિન્ટ કરવાના કૌભાંડમાં કોની કોની સંડોવણી છે ? તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે. કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકોને ચીફ ઓફિસરે પૂછતાં પ્રમાણપત્રોની પ્રિન્ટ કરવા પાલિકાના કર્મચારીઓએ પ્રિન્ટ કરવા સૂચના આપી હોવાની કબૂલાત કરી હતી. નોંધનીય છે કે અગાઉ પાલિકાની ડુપ્લિકેટ આકારણી બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં બાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.