આજે બુધવારે સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે બાબા સાહેબના નામ પર હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષના સાંસદો બાબા સાહેબની તસવીરો લઈને સંસદ પહોંચ્યા હતા. વિપક્ષના સાંસદોએ ગૃહમાં જય ભીમના નારા લગાવ્યા હતા. જે બાદ બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અર્જન રામ મેઘવાલે કહ્યું કે કોંગ્રેસનો અપમાન કરવાનો ઈતિહાસ છે, આજે તેઓ ઢોંગ કરી રહ્યા છે.કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું છે. ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો તેઓએ (કોંગ્રેસ) આંબેડકરના નામ જેટલી વખત લીધું એટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો તેમને સ્વર્ગમાં સ્થાન મળી ગયું હોત.
બીજી તરફ, રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ‘ધ બેંકિંગ લો (એમેન્ડમેન્ટ) બિલ, 2024’ પસાર કરવાનો પ્રસ્તાવ મૂકશે. તેમજ, ગૃહમંત્રી અમિત શાહ ‘ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2024’ ગૃહમાં વિચારણા માટે મૂકશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘જ્યારે અમિત શાહ આંબેડકર વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તમે લોકો આંબેડકરનું નામ 100 વખત લો છો, જો તમે ભગવાનનું નામ આટલી વાર લીધું હોત તો તમે 7 વખત સ્વર્ગમાં ગયા હોત. મતલબ કે બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું એ ગુનો છે. હું તેમના રાજીનામાની માંગ કરું છું.