કોંગ્રેસનાં નિવેદનો અને પ્રેસ-કોન્ફરન્સ બાદ શાહે બુધવારે સાંજે પ્રેસ-કોન્ફરન્સ બોલાવી રાજ્યસભામાં આંબેડકર વિશેની તેમની ટિપ્પણી પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સંસદમાં ચર્ચા તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. ગઈકાલથી કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં છે. કોંગ્રેસ આંબેડકરવિરોધી, અનામતવિરોધી, બંધારણવિરોધી પાર્ટી છે. પાર્ટીએ સાવરકરનું પણ અપમાન કર્યું અને ઇમર્જન્સી લાદીને બંધારણનાં તમામ મૂલ્યોને નષ્ટ કર્યાં.
તેમણે કહ્યું, ખડગેજી રાજીનામું માગી રહ્યા છે, તેઓ ખુશ છે, તેથી કદાચ હું આપી પણ દઈશ, પરંતુ એનાથી તેમને કોઈ ફાયદો થશે નહીં. હવે 15 વર્ષ સુધી તેમણે જ્યાં છે ત્યાં જ બેસી રહેવાનું છે, મારા રાજીનામાથી તેમની દાળ નહીં ગળે. આ પહેલાં કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે વડાપ્રધાન મોદી પાસે ગૃહમંત્રી અમિત શાહને રાત્રે 12 પહેલાં બરતરફ કરવાની માગ કરી હતી. ખડગેએ બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણી પર પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે મોદી અને શાહ એકબીજાનાં પાપો અને શબ્દોનો બચાવ કરે છે.
શાહે કહ્યું હતું કે કોંગ્રેસે પોતે જ પોતાને ભારત રત્ન આપ્યો, નહેરુએ 1955માં, ઈન્દિરાએ 1971માં પોતાને ભારત રત્ન આપ્યો. કોંગ્રેસ સત્તામાં નહોતી ત્યારે આંબેડકરને 1990માં ભારત રત્ન મળ્યો હતો. કોંગ્રેસ આંબેડકરને ભારત રત્ન ન મળે એ માટે પ્રયાસ કરતી રહી. આંબેડકરની ગેરહાજરી પછી કોંગ્રેસે તેમને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે 1951-52 અને 54માં બાબા સાહેબને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. આંબેડકરની 100મી જન્મજયંતી ઊજવવાની ના પાડી દીધી હતી. વાસ્તવમાં ગૃહમંત્રી શાહે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ‘આ હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર… જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત તો સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. કોંગ્રેસે તેને આંબેડકરનું અપમાન ગણાવ્યું છે અને શાહના રાજીનામાની માગ કરી છે.