ઉત્તર પ્રદેશના બરેલીમાં સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વ્યક્તિએ સૌથી પહેલા ઉત્તર પ્રદેશ પોલીસને ડાયલ 112 પર ફોન કરીને પોલીસને ધમકી આપી હતી ત્યારબાદ 26 જાન્યુઆરીએ તેણે સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું. પોલીસે સર્વેલન્સ દ્વારા ફોન ટ્રેસ કરવાનું શરૂ કર્યું. આ પછી તરત જ આરોપીની બરેલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિ નશાની હાલતમાં હતો. ખેતરમાં બેસીને તેણે 112 નંબર ડાયલ કરીને ધમકી આપી હતી.
બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના અનિલ કુમારે મંગળવારે સાંજે ડાયલ 112 પર ફોન કર્યો હતો. તેણે ફોન કર્યો તે સમયે તે નશાની હાલતમાં હતો. ખેતરમાં બેસીને તેણે ડાયલ 112 પર ફોન કર્યો હતો. પહેલા તેણે પોલીસને હેરાન કર્યા, પછી કહ્યું કે તે 26 જાન્યુઆરીએ સીએમ યોગીને ગોળી મારી દેશે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ પછી, તેના વિશે યોગ્ય માહિતી લેવામાં આવી હતી. નશામાં ધૂત થઈને તેણે માફી માંગવાનું શરૂ કર્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, ફોન કરનાર અનિલે જણાવ્યું કે તેનો મિત્ર પુષ્પેન્દ્ર સાંજે 7 વાગ્યે તેની બાઇક લઈને ગયો હતો. પણ પાછો આવ્યો નહીં. બે કલાક બાદ ફરી કોલ આવ્યો ત્યારે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી હતી. આ વખતે અનિલે જણાવ્યું કે તે લખનૌના ચારબાગ પહોંચી ગયો છે. આ વખતે તેણે પોલીસ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. રાત્રે લગભગ 9 વાગ્યે, તેણે ફરીથી ફોન કર્યો અને ધમકી આપી કે તે 26 જાન્યુઆરીએ સીએમ યોગીને ગોળી મારી દેશે. આ પછી તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો અને મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો. ત્યારબાદ પોલીસે સર્વેલન્સની મદદથી યુવક અનિલની શોધખોળ શરૂ કરી હતી. આસુતોષ સિટી નજીકથી મોડી રાત્રે આરોપી ઝડપાયો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી અનિલ કુમાર ઉર્ફે રાજ નવાબગંજ પોલીસ સ્ટેશનના રિછોલા ચૌધરી ગામનો રહેવાસી છે. હાલ તે ઇજ્જતનગર પોલીસ સ્ટેશનના આશુતોષ સિટીમાં રહે છે. પોલીસે આરોપી અનિલ ઉર્ફે રાજ સામે ગુનો નોંધ્યો છે. હાલમાં યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે આવું કેમ કર્યું. તે અગાઉ નવાબગંજમાં પણ આવી પ્રવૃતિ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. દિવસ દરમિયાન મજૂરી કામ કરે છે અને રાત્રે દારૂ પીને અહીં-તહીં ફોન કરે છે.