ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ પાઠવી છે. નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધની નોટિસ મોકલી આપી છે. તેમણે લોકસભા અધ્યક્ષને આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવા કહ્યું છે. નિશિકાંત દુબેએ એવી પણ અપીલ કરી છે કે, જ્યાં સુધી સમિતિ આ મામલે કોઈ યોગ્ય નિર્ણય ના લે ત્યાં સુધી રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે. બીજેપી સાંસદે અમિત શાહના નિવેદનને વિકૃત કરવા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવા માટે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે.