મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા સરથાણા જકાતનાકા વિસ્તારમાં રુક્ષ્મણી ચોક પાસે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એક લાખથી વધુ લોકો બેસી શકે એવા વિશાળ પટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28મી ડિસેમ્બરથી 3જી જાન્યુઆરી એમ સાત દિવસ સુધી દરરોજ રાત્રે 8 થી 11.30 વાગ્યા સુધી સાળંગપુર ધામના અથાણાવાળા હરિપ્રસાદ સ્વામી લાખો ભક્તોને કથાનું રસપાન કરાવશે. આ સિવાય સાતેય દિવસ વિવિધ કાર્યક્રમો પણ યોજવાના છે.
૨૮મી ડિસેમ્બરના રોજ બપોરના ૩:૦૦ વાગ્યે પોથીયાત્રા યોગીચોકથી નીકળશે. 31મી ડિસેમ્બરના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણી થવાની છે. જેમાં એક લાખથી વધારે યુવાઓ 31’stની પાર્ટીને સાઈડમાં મૂકીને હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ જ દિવસે 151 કિલોની હનુમાન દાદાની ગદાના આકારની કેક બજરંગ બલીને ધરાવવામાં આવશે. ભવ્ય ફ્રૂટ ઉત્સવનું આયોજન તા. 1 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેમાં 11,000 કિલો ફ્રૂટ દાદાને ધરાવાશે.
મારુતિ ધુન મંડળ યુવા ગ્રુપ દ્વારા 2025ના નવા વર્ષે 2,000થી વધુ નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ વિનામૂલ્યે મળી શકે તેવા હેતુથી આ કથાનું આયોજન થઈ રહ્યું છે.સાળંગપુર ધામના કષ્ટભંજન દેવ હનુમાનદાદાના સુપ્રસિદ્ધ મંદિરને કથા સ્થળ પર આબેહૂબ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવ્યું છે. સાતેય દિવસ કષ્ટભંજન ભક્તો સાળંગપુર જઈ શકતા નથી. એ ભક્તો કથા સ્થળ પર સાળંગપુરના મંદિરે દાદાના દર્શન કરીને હનુમાન ચાલીસા યુવા કથાનો લાભ લઈ શકશે.