મેલબોર્નમાં મળેલી હાર સાથે ભારતીય ટીમનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. એક હારથી ટીમ ઈન્ડિયાનું સમીકરણ ખરાબ થઈ ગયું છે. રોહિતની સેનાએ હવે બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં માત્ર એક મેચ રમવાની છે, જે સિડનીમાં યોજાવાની છે. જો કે સિડનીમાં મળેલી જીત પણ ટીમ ઈન્ડિયાને ડબલ્યુટીસી ફાઇનલમાં ટિકિટ નહીં અપાવી શકે. ભારતને સિડનીમાં જીતની સાથે નસીબની પણ જરૂર પડશે.
સિડનીમાં જીત નોંધાવવાની સાથે ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના પણ કરવી પડશે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતના દૃષ્ટિકોણથી એ મહત્વનું છે કે શ્રીલંકા કાંગારુ ટીમને 2-0થી હરાવવા અથવા 1-0થી શ્રેણી જીતવામાં સફળ રહે છે. એટલે કે સિડનીમાં જીતની સાથે ટીમ ઈન્ડિયાને શ્રીલંકાના સમર્થનની પણ જરૂર પડશે. જો આ સમીકરણ બંધબેસશે તો રોહિતની ટીમ સતત ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચશે.