ISROએ 30મી ડિસેમ્બરે શ્રીહરિકોટાથી રાત્રે 10 વાગ્યે SpaDeX એટલે કે સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશન લોન્ચ કર્યું. PSLV-C60 રોકેટ વડે બે અવકાશયાન પૃથ્વીથી 470 કિમી ઉપર ડિપ્લોય કરવામાં આવ્યા. હવે 7 જાન્યુઆરી, 2025ના રોજ આ મિશનમાં બુલેટની ઝડપ કરતા દસ ગણી વધુ ઝડપે અવકાશમાં મુસાફરી કરી રહેલા આ બે અવકાશયાન જોડવામાં આવશે . જો આ મિશન સફળ થશે તો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી આવું કરનાર ચોથો દેશ બની જશે.
આ મિશનમાં બે નાના અવકાશયાન ટાર્ગેટ અને ચેઝરનો સમાવેશ થાય છે. આને PSLV-C60 રોકેટથી 470 કિમીની ઊંચાઈએ અલગ ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે.ત્યારબાદ અવકાશયાનની ગતિ લગભગ 28,800 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ સ્પીડ કોમર્શિયલ એરક્રાફ્ટની સ્પીડ કરતાં 36 ગણી અને બુલેટની સ્પીડ કરતાં 10 ગણી છે. હવે ટાર્ગેટ અને ચેઝર સ્પેસક્રાફ્ટ દૂર-અંતરના ડોકીંગ તબક્કો શરૂ કરશે. આ તબક્કામાં, બે અવકાશયાન વચ્ચે કોઈ સીધો સંચાર સંબંધ રહેશે નહીં. આને જમીન પરથી માર્ગદર્શન આપવામાં આવશે. અવકાશયાન નજીક આવશે. 5km થી 0.25km વચ્ચેના અંતરને માપતી વખતે લેસર રેન્જ ફાઈન્ડરનો ઉપયોગ કરશે. 300 મીટરથી 1 મીટરની રેન્જ માટે ડોકિંગ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. વિઝ્યુઅલ કેમેરાનો ઉપયોગ 1 મીટરથી 0 મીટરના અંતરે કરવામાં આવશે. સફળ ડોકીંગ પછી બે અવકાશયાન વચ્ચે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સફરનું નિદર્શન કરવામાં આવશે. ત્યારપછી અવકાશયાનનું અનડોકિંગ થશે અને તે બંને પોતપોતાના પેલોડ્સનું સંચાલન શરૂ કરશે. આ લગભગ બે વર્ષ સુધી મૂલ્યવાન ડેટા પ્રદાન કરવાનું ચાલુ રાખશે.






