ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં હવે દોઢ રૂપિયો વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને સીએનજી વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 79.26 રૂપિયા સાથે નવો ભાવ 1 જાન્યુઆરીથી અમલમાં આવશે.
નવા વર્ષમાં સીએનજીના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી દોઢ રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે. 1 જાન્યુઆરીથી ફરી 1.50 રૂપિયો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જૂનો ભાવ 77.27 રૂપિયા હતો જે 1 જાન્યુઆરીથી 79.26 રૂપિયા થઈ જશે. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે.
ગુજરાત ગેસના CNG પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો છે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.