અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી યોજાશે. આ વખતનાં ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચ્યો છે. આ વખતે ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે આજે ફ્લાવર શોનો શુભારંભ કરાશે અને જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જણાવી દઈએ કે, આ વર્ષે ફ્લોવર શોમાં ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે. દરેક સ્કલ્પચર પર QR કોડ હશે જેને સ્કેન કરવાથી સ્કલ્પચર અંગે માહિતી મળશે. ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે.
માહિતી અનુસાર, સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રૂ. 500 ફી આપીને ખાસ લાઈનમાં પ્રવેશ આપવામાં આવશે. ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર પરથી પણ ઓનલાઇન કરી શકાશે. નોંધનીય છે કે, વર્ષ 2013 થી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2024 માં 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.