વડગામના ધનપુરા નજીક થયેલી એક ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. સસ્પેન્સ ફિલ્મોને પણ ટક્કર મારે એવા વળાંક આ હત્યા કમ કથિત વીમા પકવવાના કેસમાં આવી રહ્યા છે. હવે અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચી ગયો છે. જ્યારે જેની પર ષડયંત્ર રચવાનો આરોપ છે એ હોટલ માલિક હજુ પકડાયો નથી અને ફરાર છે.
27મી ડિસેમ્બરે એક કારમાં બળેલી હાલતમાં એક કંકાલ મળ્યું હતું. પ્રથમ નજરે લાગતું હતું કે, આ કોઈ અકસ્માત હશે, પરંતુ પોલીસ તપાસમાં આ ઘટના પાછળ એક ઘાતક ષડયંત્ર હોવાનું બહાર આવ્યું છે. પહેલાં કોઈ શખસની કબરમાંથી લાશ કાઢીને સળગાવી દેવાઈ હોવાનું મનાતું હતું. જોકે, આ પણ એક ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર જ હતું. પોલીસ તપાસમાં કથિત લાશ કબરમાંથી કઢાયેલી ન હોવાનું હોટલના એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં રખાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ગુન્હાની તપાસ દરમિયાન પી.એમ. કરનાર ફોરેન્સિક મેડિકલ ઓફિસર સાથે જિલ્લા પોલીસ વડા સંપર્કમાં રહ્યા હતા. તેમજ ગુન્હાની ગંભીરતા જોઇ વડગામ પોલીસે આ બાબતની તપાસ કરતા આરોપી સેધાજી ઘેમરજી ઉર્ફે ધિરાજી ઠાકોર (રહે. ઘોડિયાલ વડગામ) મળી આવ્યો હતો. તેમજ અન્ય પકડાયેલા આરોપીઓની યુક્તિ- પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, એસ્ટીમ ગાડી નંબર GJ-01-HJ-9718માં મોત થયું તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ ના હોય કે ઢેલાણા ગામના સ્મશાનમાંથી બહાર કાઢેલી લાશ પણ ન હતી, પરંતુ કોઇ અન્ય વ્યકિતને મારી નાખેલાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોર્ટમાં રિપોર્ટ કરી પકડાયેલા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને પોલીસને વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ગુન્હાના કામે ગાડી સાથે સળગાવેલો ઇસમ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહના હોટલ પર આશરે બે-એક વર્ષથી મજૂરી કામ કરતા વીરમપુરના રેવાભાઇ મોહનભાઇ ગામેતી (ઠાકોર) હોઈ શકે, જે દિશામાં તપાસ હાથ ધરી હતી.
પોલીસને લીડ મળતાં અમીરગઢ પોલીસ મથકે ગુમ થનાર રેવાભાઇના પત્ની હંસાબેને જાહેરાત હતી કે, તા.26/12/2024ના સવારના નવેક વાગ્યાના અરસામાં કનૈયા હોટલ જલોત્રાના માલિક ભગાભાઇએ હર વખતની જેમ આ વખતે પણ મારા પતિને મજૂરી કામ અર્થે લઇ ગયા હતા અને આજદિન સુધી ધરે પરત આવ્યા ન હતા. જે બાબતની જાણ પોલીસને કરતા એ બાબતની પોલીસે આરોપીઓની પુછપરછ કરતાં આ ગુમ થનાર રેવાભાઇ મોહનભાઇ ગામેતી (ઠાકોર)ને દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ તેમજ અન્ય આરોપી ઇસમોએ ભેગા મળી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ એસ્ટીમ કાર નં- GJ-01-HJ-9718માં સળગાવી દીધો હતો.
રેવાભાઇના સંતાનોના લોહીના નમૂના મેળવી ડી.એન.એ પૃથ્થકરણ માટે ગાંધીનગર એફ.એસ.એલ મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. જોકે, પોલીસે કુલ પાંચ ઈસમોની અટકાયત કરી, પરંતુ મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પોલીસ પકડથી કેમ દૂર છે તે પણ એક મોટો પ્રશ્ન છે