ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી 2025થી મહા કુંભમેળાની શરૂઆત થવા જઈ રહી છે. કરોડો લોકો આ મહા કુંભમળાનો લ્હાવો લેવા આતુર છે, ત્યારે ગુજરાતીઓ પણ વિવિધ માધ્યમથી પ્રયાગરાજ પહોંચવા માટે ઉતાવળા બન્યા છે. બસ અથવા તો ટ્રેન મારફતે લાખો લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રયાગરાજ જશે, ત્યારે હવે અમદાવાદથી પ્રયાગરાજ માટે મહા કુંભમેળાને ધ્યાને રાખી દરરોજ સ્પેશિયલ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આગામી 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં અમદાવાદથી પ્રયાગરાજ માટેની દરરોજ ફ્લાઈટ મુસાફરોને મળશે.
આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભમેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે મુંબઈ સેન્ટ્રલ-લખનઉ, ભાવનગર ટર્મિનસ-લખનઉ અને સાબરમતી-લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે, લોંગ વિકેન્ડમાં વેકેશન માણવા ઇચ્છતા ગુજરાતીઓ માટે પણ સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા વિચારવામાં આવ્યું છે. કારણ કે, આ વર્ષે 26 જાન્યુઆરી રવિવારના દિવસે છે તે પહેલાં 25 જાન્યુઆરીએ શનિવાર હોવાથી સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી એમ બે દિવસ દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં વધુ એક અમદાવાદથી પ્રયાગરાજ માટે ફ્લાઈટ ઉડાવવામાં આવશે. જેમાં સવારે 5:35 કલાકે અમદાવાદથી ઉડાન ભરી સવારે 7:20 કલાકે પ્રયાગરાજ પહોંચશે. તથા સવારે 8:00 વાગ્યે પ્રયાગરાજથી ઉડાન ભરીને સવારના 9:50 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.