વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચઢાવવામાં આવી હતી. અજમેર દરગાહ વિવાદ વચ્ચે શનિવારે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી અને સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ પીએમ દ્વારા મોકલેલી ચાદર લઈને દરગાહ પહોંચ્યા હતા. અહીં તેમણે દેશમાં શાંતિ અને ભાઈચારા માટે દુઆ માંગી હતી.
આ પછી વડાપ્રધાનનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. જયપુર એરપોર્ટ પર રિજિજુએ કહ્યું, “પીએમ મોદી તરફથી ચાદર અર્પણ કરવી એ સમગ્ર દેશ વતી ચાદર અર્પણ કરવા જેવું છે. અમે દેશમાં સારું વાતાવરણ ઇચ્છીએ છીએ. અજમેરની દરગાહ પર લાખો લોકો આવે છે. તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી એપ અને વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવી રહી છે. તેમાં દરગાહમાં મળતી સુવિધાઓ સહિતની તમામ પ્રકારની માહિતી મળશે.
રિજિજુએ કહ્યું- અજમેરમાં ઉર્સ દરમિયાન ગરીબ નવાઝની દરગાહની મુલાકાત લેવાની દેશની જૂની પરંપરા છે. મને પીએમ મોદી વતી ચાદર અર્પણ કરવાની તક મળી છે. આ સદ્ભાવના, ભાઈચારાનો સંદેશ છે. શુક્રવારે મેં દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લીધી હતી. ચાદર અર્પણ કરી અને દુઆ માંગી હતી. અમે ઉર્સના શુભ અવસરે દેશમાં સારું વાતાવરણ ઈચ્છીએ છીએ. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિ છે. ગરીબ નવાઝ માટે તમામ સમુદાયના લોકો દુઆ માંગે છે.