હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ યહૂદી રાજ્ય પર તેના હુમલા પછી બંધક બનાવનાર 19 વર્ષીય મહિલા ઈઝરાયલી સૈનિકનો એક વીડિયો જાહેર કર્યો છે. આ મહિલા સૈનિકને એક વર્ષથી વધુ સમયથી હમાસ દ્વારા કેદ કરવામાં આવી છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ સર્વેલન્સ સૈનિક લિરી અલબાગને 7 ઓક્ટોબર, 2023ના રોજ ગાઝા સરહદ નજીક નાહલ ઓઝ લશ્કરી બેઝ પર તૈનાત કરવામાં આવી હતી, જ્યારે હજારો હમાસ આતંકવાદીઓ ઈઝરાયલી પ્રદેશમાં પ્રવેશ્યા હતા અને નરસંહાર કર્યો હતો.
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, હમાસે લિરી અલબાગ અને અન્ય છ સૈનિકોને બંધક બનાવ્યા હતા, જ્યારે 7 ઓક્ટોબરના હુમલામાં 15 સૈનિકો માર્યા ગયા હતા. સાડા ત્રણ મિનિટના લાંબા અને તારીખ વગરના વીડિયોમાં લિરી અલબાગે કહ્યું કે, તે 450 દિવસથી વધુ સમયથી હમાસના કબજામાં છે અને આરોપ મૂક્યો હતો કે, ઈઝરાયલી સરકાર તેને અને અન્ય બંધકોને ભૂલી ગઈ છે. અલબાગ હીબ્રુમાં કહે છે. હું માત્ર 19 વર્ષની છું, મારી સામે મારું આખું જીવન છે, પણ હવે મારું આખું જીવન થંભી ગયું છે.
હમાસ દ્વારા પકડવામાં આવેલા છ સર્વેલન્સ સૈનિકોમાંથી એકને IDF દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજાની હમાસ કેદમાં હત્યા કરવામાં આવી હતી. અલબાગ અને અન્ય ચાર બંધકો હજુ પણ જીવિત છે અને હમાસના કબજામાં રાખવામાં આવ્યા છે. લિરી અલબાગના પરિવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલી વીડિયો ક્લિપે ‘અમારા હૃદયના ટુકડા-ટુકડા કરી નાખ્યા છે’. પરિવારે કહ્યું, ‘આ અમારી તે દીકરી અને બહેન નથી જેને અમે ઓળખીએ છીએ. વીડિયોમાં તેને જોઈને એ સ્પષ્ટ છે કે તેના પર ગંભીર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.હમાસે લિરી અલબાગનો વીડિયો જાહેર કર્યો છે. જે અંગે તેમના પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમની દીકરીને જોઈને તેઓનું દિલ તૂટી ગયું.