સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત વાયબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્સ્પોનાં ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ એક્સ્પોમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, એક સક્ષમ અને વિઝનરી નેતૃત્વના લીધે વિકાસની વાયબ્રન્સીનો કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકાય તેનું દ્રષ્ટાંત આજનો આ વાયબ્રન્ટ ભાવનગર વિઝન-2030 એક્સ્પો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટર્સમાં વિકાસની વાઇબ્રન્સીનું સુશાસન સ્થાપ્યું છે. તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે મોદી ૩.૦ માં ત્રીજી મોટી મહાસત્તા બનાવવાનું એમનું લક્ષ્ય છે. વડાપ્રધાનએ “મેક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડ”ના ધ્યેય સાથે આપણાં ઉદ્યોગો, MSMEs બંનેને આત્મનિર્ભરતા સાથે ક્વોલિટી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યાં છે આ માટે પ્રો-પીપલ પોલિસીઝ અને પ્રોગ્રામ અમલી બનાવ્યાં છે. ગુજરાતને તો વડાપ્રધાનના આ આગવા વિઝનનો લાભ અઢી દાયકાથી મળતો રહ્યો છે. 2003માં વાયબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું હતું. આ વાયબ્રન્ટ સમિટની સર્વગ્રાહી વિકાસ યાત્રાએ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે.
આ વેળાએ ક્લસ્ટર બેઈઝડ લોકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અન્વયે ભાવનગરની આઇ.ટી.આઇ સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન, ભાવનગર તથા ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા MOU કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત,ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા અને ગૌતમભાઈ ચૌહાણ, ઈ.ચા જિલ્લા કલેકટરશ જી.એચ.સોલંકી, સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપભાઈ કામાણી, દિવ્યેશભાઇ સોલંકી સહિત સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યો, વેપાર- ઉદ્યોગનાં નામાંકિત શ્રેષ્ઠીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં ૧૪૦૫ MSME એકમોએ લગભગ ૧૭૩૬ કરોડથી વધુના એમ.ઓ.યુ. કર્યાં છે- મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે આંકડાઓ સાથે કહ્યું કે, ૨૦૦૧-૦૨માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ આઉટ પુટ રૂપિયા ૪૪,૮૮૬ કરોડ હતું, તે આજે રૂપિયા ૬.૭ લાખ કરોડ પહોંચ્યું છે. જી.એસ.ડી.પી વર્ષ ૨૦૦૧-૦૨માં ૧.૨૩ લાખ કરોડ રૂપિયા હતો, જે આજે ૨૨.૩ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું કે, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૬%, GDPમાં ૮.૬% ફાળા સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે અને ભારતની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન ૩૦ ટકાથી વધુ છે. વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વડાપ્રધાનની પ્રેરણાથી આપણે દરેક જિલ્લાઓ સુધી તેને પહોંચાડી છે. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં ૧૪૦૫ MSME એકમોએ લગભગ ૧૭૩૬ કરોડ રૂપિયાથી વધુના એમ.ઓ.યુ. કર્યાં છે.