કોરોનાવાઇરસ જેવા માનવ મેટાન્યુમોવાઇરસ (HMPV)ના દેશમાં કુલ કેસોની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ 4 કેસ છે. શુક્રવારે રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ મળી આવ્યો હતો. બારાંમાં 6 મહિનાની બાળકીને HMPVનો ચેપ લાગ્યો છે. જ્યારે અમદાવાદમાં 9 મહિનાના બાળકનો HMPV પોઝિટિવ ટેસ્ટ આવ્યો. અગાઉ ગુરુવારે 3 કેસ મળી આવ્યા હતા. આમાં લખનૌમાં એક 60 વર્ષીય મહિલા, ગુજરાતના અમદાવાદમાં એક 80 વર્ષીય પુરુષ અને હિંમતનગરમાં એક 7 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. ત્રણેયની સારવાર ચાલી રહી છે.
HMPV કેસોમાં વધારાને કારણે રાજ્યોએ પણ તકેદારી વધારી છે. પંજાબમાં વૃદ્ધો અને બાળકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. હરિયાણામાં પણ આરોગ્ય વિભાગને HMPV કેસ પર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જ્યારે HMPVથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. તેમાંથી 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. કેન્દ્રએ રાજ્યોને ‘ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી’ અને ‘ગંભીર તીવ્ર શ્વસન સમસ્યાઓ’ જેવી શ્વસન બિમારીઓ પર દેખરેખ વધારવા અને HMPV વિશે જાગૃતિ ફેલાવવા સલાહ આપી છે.






