કેરળના પઠાણમિટ્ટામાં યુવતીના યૌન શોષણના કેસમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આમાં યુવતીના મંગેતરનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં 2 પોલીસ સ્ટેશનમાં 9 FIR નોંધવામાં આવી છે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક શૈક્ષણિક સંસ્થાએ છોકરીના વર્તનમાં ફેરફાર જોયો. ત્યારપછી આ બાબતની જાણ બાળ કલ્યાણ સમિતિ (CWC)ને કરવામાં આવી હતી. યુવતીએ કાઉન્સેલરને જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં 62 લોકોએ તેની સાથે રેપ કર્યો. યુવતીનો આરોપ છે કે 13 વર્ષની ઉંમરે પહેલીવાર તેના પર બળાત્કાર થયો હતો. જ્યારે તેના મિત્રએ પ્રથમ વખત શોષણ કર્યું હતું. હવે તે 18 વર્ષની છે. તેના માતા-પિતાને પણ આ વાતની જાણ નહોતી.
યુવતી દ્વારા નામ આપવામાં આવેલા 40 આરોપીઓ વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં કોચ, સાથી રમતવીરો, સહપાઠીઓ અને ઘરની આસપાસ રહેતા કેટલાક છોકરાઓનો સમાવેશ થાય છે.રાષ્ટ્રીય મહિલા આયોગે 3 દિવસમાં વિગતવાર રિપોર્ટ અને તમામ આરોપીઓની ધરપકડની માગ કરી છે. પીડિતા સગીર હોવાથી આરોપી સામે પોક્સો એક્ટ અને એસસી-એસટી એક્ટની કલમો પણ ઉમેરવામાં આવશે.
યુવતીએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે, 13 વર્ષની ઉંમરે તેના બોયફ્રેન્ડ દ્વારા સૌપ્રથમ તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું, જેણે બાદમાં તેને તેના મિત્રોને સોંપી દીધી હતી. આ લોકોએ તેનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો.જેના આધારે તેઓ તેને બ્લેકમેલ કરતા હતા. જ્યારે તેના માતા-પિતા કામ પર જતા ત્યારે ઘણી વખત તેણીનું ઘરે જાતીય શોષણ કરવામાં આવતું હતું. યુવતી એથ્લેટ છે, જ્યારે તે એક ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા ગઈ ત્યારે તેના કોચ અને સાથી ખેલાડીઓ દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું.
બાળ કલ્યાણ સમિતિએ કહ્યું- અડધી કબૂલાત, આરોપી વધી શકે
સમિતિના અધ્યક્ષે કહ્યું કે, બાળકીના પિતા ચિત્રકાર છે અને માતા મનરેગા મજૂર છે. તેઓ બહુ ઓછા ભણેલા છે. તેઓ ક્યારેય જાણતા ન હતા કે તેમની પુત્રીનું યૌન શોષણ થઈ રહ્યું છે. તેની કબૂલાત હજુ અડધી જ બાકી હોવાથી અન્ય શખ્સો સંડોવાયેલા હોવાની આશંકા છે. કેટલાક આરોપીઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તે તેના સહાધ્યાયી છે. બાકીના આરોપીઓમાં મોટાભાગનાની ઉંમર 35 વર્ષથી વધુ છે.