દિલ્હી પોલીસે મંગળવારે દિલ્હીની 400 શાળાઓમાં બોમ્બની નકલી ધમકી આપનાર વિદ્યાર્થીને પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીનો પરિવાર એક NGOના સંપર્કમાં હતો. આ એ જ NGO છે જે અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કરી રહી હતી. પોલીસ હવે આ એંગલથી તપાસ કરી રહી છે કે આ વિદ્યાર્થીની પાછળ અન્ય કોઈ છે કે કેમ જે આ મેઈલ કરાવે છે.
સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ પોલીસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- 8 જાન્યુઆરીએ મળેલા ઈ-મેઈલ બાદ અમારી ટીમે સગીરને ટ્રેક કર્યો. ઈ-મેલ મોકલનાર સગીર હતો, તેથી ફોરેન્સિક તપાસ માટે ટીમે તેના લેપટોપ અને મોબાઈલ ફોનનો કબજો લીધો હતો.
તેણે કહ્યું કે અમે સગીર દ્વારા મોકલવામાં આવેલા 400 ધમકીભર્યા ઈમેલ ટ્રેક કર્યા છે. તેના પિતાનું બેકગ્રાઉન્ડ પણ ચેક કર્યું. તે એક NGO સાથે કામ કરે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ NGO અફઝલ ગુરુની ફાંસી સામેના વિરોધ સાથે સંકળાયેલી હતી અને એક રાજકીય પક્ષને પણ મદદ કરી રહી હતી. પોલીસે રાજકીય પક્ષનું નામ જાહેર કર્યું નથી.