જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતના રાજ્યોમાં શિયાળાની અસર વધી રહી છે. આ ઉપરાંત દેશના 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.
દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટીના કારણે બુધવારે સવારે 26 ટ્રેનો મોડી પડી હતી. તેમજ, ઘણી ફ્લાઇટ્સ પણ તેમના નિર્ધારિત સમય પર ઉપડી શકી ન હતી. મંગળવારે પણ અહીં 39 ટ્રેનો મોડી પડી હતી.ઉત્તર પ્રદેશના 45 જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અયોધ્યામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું કે આજે યુપી અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં કરા પડી શકે છે.
બીજી તરફ હિમાચલમાં હિમવર્ષાને કારણે 3 શહેરોમાં તાપમાન માઈનસ પર પહોંચી ગયું છે. કલ્પામાં માઈનસ 1 ડિગ્રી, કેલોંગમાં માઈનસ 10.3 ડિગ્રી અને કુકુમાસેરીમાં માઈનસ 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં 1 થી 11 જાન્યુઆરીની વચ્ચે સામાન્ય કરતાં 91% ઓછો વરસાદ થયો છે, કારણ કે રાજ્યમાં 20.6 મીમીની સામે માત્ર 2મીમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 2024માં જમ્મુ-કાશ્મીર છેલ્લા પાંચ દાયકામાં સૌથી સૂકું રહ્યું. ગયા વર્ષે 870.9 મીમી વરસાદ પડ્યો હતો જે સામાન્ય કરતા 29% ઓછો છે. જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2023માં 1146.6 મીમી (સામાન્ય કરતા 7% ઓછો) વરસાદ, 2022માં 1040.4 મીમી (સામાન્ય કરતા 16% ઓછો), 2021માં 892.5 મીમી (સામાન્ય કરતા 28% ઓછો), 2020માં 982.2 મીમી (સામાન્ય કરતા 20% ઓછો) વરસાદ પડ્યો. 2024ના આંકડા 1974ના રેકોર્ડ નીચા 802.5 મીમીની નજીક છે.






