દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પદ પરથી હટાવાયેલા યૂન સુક-યોલની પોલીસે બુધવારે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી છે. યોલે 3 ડિસેમ્બર, 2024ના રોજ દેશમાં માર્શલ લો લાદવા માટે ફોજદારી તપાસનો સામનો કરી રહ્યા છે.
યોલે ગયા મહિને દેશમાં કટોકટી લાદી હતી, જેને દેશની સંસદે પલટી નાખી હતી. આ પછી 14 ડિસેમ્બરે સંસદમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. યોલના મહાભિયોગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, જેના માટે તેમને મંગળવારે કોર્ટમાં હાજર થવાનું હતું.યોલ ગઈકાલે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા બાદ આજે સવારે તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમની ધરપકડ કરવા આવેલી પોલીસને સ્થળ પર જ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.