ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે. ન્યૂઝ એજન્સી એપીએ આ ડીલમાં સામેલ બે અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા છે. જોકે, આ લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ કરાર પર વાટાઘાટો કરવામાં આવી હતી.
ઇઝરાયલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીલના પ્રથમ તબક્કામાં 33 બંધકોને મુક્ત કરવામાં આવશે. આ 33 બંધકોમાંથી 5 ઈઝરાયલની મહિલા સૈનિકો હશે. આ 5 મહિલા સૈનિકોના બદલામાં ઈઝરાયલ 250 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસ પાસે 94 ઈઝરાયલી બંધકો છે, જેમાંથી લગભગ 34 મૃત્યુ પામ્યા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે 251 ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા. બાકીના બંધકોને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા.
ડીલ માટેની છેલ્લી મંત્રણા આજે એટલે કે મંગળવારે થઈ હતી. આ સમજૂતી પર હસ્તાક્ષર થતાં જ તેને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે. યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 42 દિવસનો રહેશે. 33 બંધકોને મુક્ત કર્યાના 15 દિવસ બાદ બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, યુદ્ધવિરામને કાયમી ધોરણે લાગુ કરવા પર પણ વાતચીત કરવામાં આવશે.
CNNના અહેવાલ મુજબ, યુદ્ધવિરામ ડીલ હેઠળ, ઇઝરાયલ ઉત્તર ગાઝાથી વિસ્થાપિત પેલેસ્ટિનિયન નાગરિકોને પરત ફરવાની મંજૂરી આપશે. જો કે સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં ઈઝરાયલના સૈનિકોની હાજરી રહી શકે છે.ગાઝા અને ઈઝરાયલ વચ્ચે બફર ઝોન બનાવવામાં આવશે. બફર ઝોનને લઈને ઈઝરાયલ અને હમાસ બંનેની અલગ-અલગ માગ છે. ઇઝરાયલ સરહદથી 2 કિમીના બફર ઝોનની માગ કરી રહ્યું છે, જ્યારે હમાસ ઓક્ટોબર 2023 પહેલાની જેમ 300 થી 500 મીટરના બફર ઝોન ઇચ્છે છે. બીજી તરફ ઈઝરાયલે ડીલ હેઠળ હમાસ ચીફ યાહ્યા સિનવારની લાશ પરત કરવાનો ઈન્કાર કરી દીધો છે.