પોરબંદરમાં ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલ દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન ટેસ્ટિંગ દરમિયાન ક્રેશ થયું હતું. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલા આ ડ્રોનને નૌસેનાને સોપવામાં આવે તે પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ઉડાવવામાં આવતું હતું. દુર્ઘટના બાદ ડ્રોન મળી આવ્યું છે અને આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતીય નૌકાદળ તેની દરિયાઇ સુરક્ષા અંગે મહત્ત્વપૂર્ણ પગલાં લઇ રહ્યું છે. ચાર મહિના પહેલા એક MQ-9B સીગાર્ડિયન ડ્રોન પણ બંગાળની ખાડીમાં ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું.ડ્રોન 10 સ્ટારલાઇનર એ ઇઝરાયેલી સંરક્ષણ કંપની એલ્બિટ સિસ્ટમ્સ સાથે સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. આ ડ્રોન 70% સ્વદેશી છે અને તે 36 કલાક સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. 450 કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરવામાં સક્ષમ આ ડ્રોન દેખરેખ અને ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભારતીય નૌકાદળે પહેલાથી જ દ્રષ્ટિ 10 ને તેના કાફલામાં સામેલ કરી દીધું છે અને આ ડ્રોન સેના અને નૌકાદળની ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી ક્ષમતાઓને વધારવાના ઉદ્દેશ્યથી ખરીદવામાં આવ્યું હતું. દરેક દ્રષ્ટિ 10 ડ્રોનની કિંમત લગભગ 145 કરોડ રૂપિયા છે.
ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં તેના કાફલામાં બે યુદ્ધ જહાજો અને એક સબમરીન ઉમેરવા જઈ રહ્યું છે. આમાં છેલ્લી કલવરી-ક્લાસ સબમરીન ‘વાઘશીર’, વિનાશક ‘સુરત’ અને ફ્રિગેટ ‘નીલગિરી’નો સમાવેશ થાય છે. આનું નિર્માણ માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. નૌકાદળે તેની જાસૂસી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે યુએસ પાસેથી 31 MQ-9B ડ્રોન ખરીદવા માટે પણ એક સોદો કર્યો છે, જેનો મુખ્ય હેતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી જતી પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો છે.