ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે રાત્રે એક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવાનના કરુણ મોત નીપજ્યાં હતા. રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ, બાઈક અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાને જીવ ગુમાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે, આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકસવાર બંને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે, આ લખાય છે ત્યાં સુધી મૃતક યુવાનોની ઓળખ થઈ શકી નથી.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર 16 જાન્યુઆરી રાત્રિ દરમિયાન એક ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ઓઢવાડ જતી વખતે અચાનક હાઇવે પર ગાય આવી જતાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.