કુંભમાં ત્રીસ લાખ જેટલાં ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો હતો. આ અંગે વાત કરતાં સેક્ટર-20માં આવેલા નિરંજની અખાડાના સાધુ હર્ષવર્ધનગિરીએ જણાવ્યું હતું કે, ‘અહીં દર ચોથા યાત્રિકે એક ગુજરાતી જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો અહીં વિશેષ પ્રમાણમાં આવ્યા છે. પ્રયાગની સીધી ફ્લાઈટ, સ્પેશ્યલ ટ્રેનોએ ગુજરાતના યાત્રિકોની સુગમતા વધારી છે.’
જ્યારે શાહી સ્નાન હતું ત્યારે એક જ દિવસમાં ત્રણેક કરોડ લોકોએ કુંભ સ્નાનનો લ્હાવો લીધો હતો. જો કે આખો નદીનો કિનારો 48 કિલોમીટરનો હોવાથી કોઈપણ યાત્રિક ક્યાંય પણ કુંભ સ્નાન કરી શકે છે. વેરાવળથી શરુ થયેલી પ્રયાગરાજ સ્પેશ્યલ ટ્રેનમાં હાલમાં સંખ્યાબંધ યાત્રિકો કુંભ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ વખતે ઉત્તર પ્રદેશ સરકારે વધુ સક્રિય બનીને મહાકુંભની વ્યવસ્થા કરી છે.
જો કે અહીં કેટલાંક સાધુઓએ શાહી સ્નાન ઉપરાંત રુટિન ગંગા સ્નાન માટે પણ કેટલીક ચેતવણી આપી હતી જેમાં અહીં આવેલા ગંગાગિરી સાધુએ જણાવ્યું હતું કે, ‘સવારના પહોરમાં ભીડમાં લોકો કપડાં પહેરીને સીધા સ્નાન કરવા પડે છે અને અહીં કપડાં બદલવાની જગ્યા ન હોવાથી લોકોને પાંચથી સાત કિલોમીટર ચાલીને પોતાના સ્થાન સુધી જવું પડતું હોવાથી સારું સ્વાસ્થ્ય ધરાવનાર વ્યક્તિની પણ તબીયત બગડી જતી હોય છે. સવારમાં ખૂબ ઠંડી, ધુમ્મસ અને નદીનું હિમ જેવું ઠંડુ પાણી શરીરના તાપમાનને ખોરવી નાંખે છે. જેના કારણે સંખ્યાબંધ સાધુઓ, યાત્રિકોએ બીમારીનો સામનો કરવો પડ્યો હતો.’
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અહીં દરેક સેક્ટરમાં મેડિકલ વાન અને એમ્બ્યુલન્સની સુવિધાઓ હોવાથી સગવડતા મળી રહે છે. છતાં ક્યાંક ક્યાંક દર્દીઓને હાર્ટ એટેક આવ્યાના સમાચાર મળતાં મેડિકલ હિસ્ટરી ધરાવનારે સાચવવું જોઈએ. પ્રયાગરાજની હોસ્પિટલમાં પણ આ કારણથી ભારે ભીડ જામી છે. હાલમાં ભીડ ઘટી છે પરંતુ આગામી 29મી જાન્યુઆરીએ ફરી શાહી સ્નાન હોવાથી લોકોની ભીડ ફરી જામશે ત્યારે સૌએ પોતાની સગવડતા, પોતાનું સ્વાસ્થ્ય અને ક્ષમતાને વિચારીને આવવું જોઈએ.