ખ્યાતિકાંડનો માસ્ટર માઈન્ડ અને હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઝડપાયા બાદ હાલ રિમાન્ડ પર છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં તેના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા કાર્તિક પટેલે દુબઈથી જ પોતાની 16 કરોડની બેંક લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે.
કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. તે પોલીસ ચોપડે ફરાર હતો ત્યારે ઓસ્ટ્રેલિયાથી ભાગી દુબઈ ગયો હતો. તપાસ એજન્સીઓએ તેના બેંક એકાઉન્ડ સીલ કરી દીધા હતા અને તેની સામે લુકઆઉટ નોટિસ ઈસ્યૂ કરી હતી. તેમ છતાં દુબઈમાં હતો ત્યારે 16 કરોડ રૂપિયાની પોતાની લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલમાં રોકાણ કર્યા બાદ ચિરાગને કહેતો રહેતો હતો કે, મેં આટલું બધુ રોકાણ કર્યું છે તો તેનું રિટર્ન મને કઈ રીતે મળશે, કંઈપણ કરો મને રૂપિયા આપો. જેથી ચિરાગ રાજપૂતે ગામડાઓમાં કેમ્પ કરી નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ખ્યાતિકાંડ મામલે ધરપકડ કરાયા કાર્તિક પટેલ હાલ રિમાન્ડ પર છે. હોસ્પિટલમા રિકન્સ્ટ્રકશન કરાયા બાદ અને ફાઈલો કબજે કરાયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જો કે, પોલીસની પૂછપરછમાં કાર્તિક સહયોગ ન આપી ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યારથી કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં લાવવામાં આવ્યો છે ત્યારથી તે તપાસમાં પૂર્ણ સહયોગ કરતો નથી. પરંતુ ચિરાગ અને રાહુલે જે નિવેદનો નોંધાવ્યા છે તેમાં હવે કાર્તિક પટેલ ફસાયો છે અને તે ક્રાઈમ બ્રાન્ચ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે તેનો જવાબ આપવાનું ટાળે છે અને ઘણા દબાણ પછી તે નાનકડો જવાબ આપે છે. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલના સીએ અને સરકારી સીએની સાથે કેટલાક મહત્વની ફાઇલોના આંકલન કરવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે, જ્યારે કાર્તિક પટેલ વોન્ટેડ હતો ત્યારે તેણે પોતાના ઉપયોગ માટે લીધેલી પર્સનલ લોન અને બીજી એક એમ મળીને કુલ 16 કરોડ રૂપિયાની લોન દુબઈમાં હતો તે સમયે ભરી દીધી હતી.