કેરળના કન્નુર જિલ્લામાંથી અનોખા સમાચાર સામે આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. ભાસ્કરન નામના કેદીની છે, જે 34 વર્ષ પહેલા પેરોલ પર જેલની બહાર ગયો હતો પરંતુ પાછો આવ્યો ન હતો. જોકે, અચાનક ભાસ્કરન ફરી જેલમાં પરત ફર્યો છે.
ભાસ્કરન મૂળ કન્નુર જિલ્લાનો રહેવાસી છે. ભાસ્કરનને 1980ના દાયકામાં હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે જેલમાં સજા ભોગવી રહ્યો હતો. પરંતુ 1989માં ભાસ્કરનને થોડા દિવસો માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, પેરોલનો સમયગાળો પૂરો થયા બાદ પણ તે જેલમાં પરત ન ફરતા તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.
જેલમાં પાછો ન આવ્યો ત્યારે જેલ પ્રશાસન અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. સમય વીતતો ગયો, અને ધીમે ધીમે લોકો માનવા લાગ્યા કે તે મરી ગયો હશે. વહીવટીતંત્રે તેની ફાઇલ પણ લગભગ બંધ કરી દીધી હતી. જો કે, 34 વર્ષ પછી (2023 માં), ભાસ્કરન અચાનક જેલમાં પાછો ફર્યો અને અધિકારીઓને કહ્યું કે તે હવે બાકીની સજા ભોગવવા માટે તૈયાર છે. જેલ પ્રશાસન અને પોલીસ પણ તેની હરકતથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
ભાસ્કરને તેના 34 વર્ષ ગાયબ થવા વિશે ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે આ વર્ષો દરમિયાન તે અલગ-અલગ જગ્યાએ છુપાયેલો રહ્યો. તે ક્યારેય કોઈ મોટા શહેરમાં ગયો ન હતો અને હંમેશા નાની જગ્યાએ કામ કરતો હતો. તેણે પોતાની ઓળખ બદલી નાખી હતી અને ગુમનામીમાં પોતાનું જીવન જીવ્યું હતું. તે કોઈની સાથે વધારે વાત કરતો ન હતો અને પોતાની જાતને નજરથી દૂર રાખવાનો પૂરો પ્રયાસ કરતો હતો. પરંતુ આટલા વર્ષો પછી કદાચ તેને સમજાયું કે કાયદાથી બચવું શક્ય નથી.