વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ ઇ-મેઈલ મળતાં સ્કૂલના સત્તાધીસો અને પોલીસને જાણ કરી હતી. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો હતો. આ ઇ-મેઈલને પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કવોડ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે. હજુ સુધી કોઈપણ જાતની વાધાંજનક વસ્તુ મળી આવી નથી.
નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં વાહનોનું ચેકિંગ કરીને અને આઇડી કાર્ડ ચેક કરીને જ દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું નથી. યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જઈ રહ્યા છે. માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.