બ્રિટિશ રોકબેન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ આગામી બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટને માણવા દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે. બે દિવસમાં બે લાખથી વધુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. કોલ્ડપ્લેની એક જ કોન્સર્ટમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું સંભવત: પ્રથમવાર બનશે.
કોલ્ડપ્લેના ફીવરનો એ વાતથી અંદાજ લગાવી શકાય કે અત્યારસુધી અમદાવાદ-મુંબઇ વચ્ચે 6, અમદાવાદ-દિલ્હી વચ્ચે 1 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇ, દિલ્હી,બેંગલુરૂ, પૂણે, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટે વન-વે એરફેર રૂપિયા 20 હજારથી વધુ છે. કોન્સર્ટ જ્યાં યોજાવાની છે તે સ્ટેડિયમ તેમજ અમદાવાદની અનેક હોટેલો પણ બે દિવસ માટે હાઉસફૂલ થઇ ગઇ છે. સ્ટેડિયમ પાસે આવેલી સાવ સામાન્ય હોટેલોના ભાડા પણ રૂપિયા 10 હજાર જેટલા છે.
અનેક સેલિબ્રિટી પણ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રૂપિયા 2500, રૂપિયા 3 હજાર, રૂપિયા 3500 રૂપિયા, 6500 રૂપિયા અને 12500 રૂપિયા એમ વિવિધ દર ધરાવતી ટિકિટ હતી. શુક્રવારે સાંજે પણ ઓનલાઇન ટિકિટનો સ્લોટ શરૂ કરાયો હતો અને તેમાં રૂપિયા 12500ની ટિકિટ વેચાણમાં મૂકાઇ હતી.
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં 1 લાખથી વધુ ચાહકો ઉપસ્થિત રહેશે. જોકે, એક જ કોન્સર્ટમાં સૌથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાનો આ વર્લ્ડ રેકોર્ડ નહીં હોય. ઇટાલીના મોડેના ખાતે 2017માં યોજાયેલી ઇટાલિયન ગાયક વાસ્કો રોઝીની કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકો હતા.