ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે દેશના 76માં પ્રજાસતાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી થશે. જિલ્લાભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં સિહોર ખાતેનાં છાપરી રોડ, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯ કલાકે થશે. જ્યારે ભાવનગર મહાપાલિકા દ્વારા અક્વાડાની પ્રાથમિક શાળા ખાતે ઉજવણી થશે જેમાં મેયર ભરતભાઈ બારડ રાષ્ટ્રધ્વજ લહેરાવશે.
જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણીની ઉપસ્થિતિમાં છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડ સિહોર ખાતે ગઈકાલે યોજવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં નિવાસી અધિક કલેકટરએ જિલ્લામાં મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું.
નિવાસી અધિક કલેકટરએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી, અધિકારીઓ, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.
રિહર્સલમાં પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારૈયા, ઈ.ચા. સિહોર પ્રાંત અધિકારી ચેતન કુમાર પ્રજાપતિ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ, પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીને આખરી ઓપ અપાયો છે.
કોર્પો. દ્વારા પ્રજાસત્તાક દિન ઝીરો વેસ્ટ થીમ પર ઉજવાશે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઝીરો વેસ્ટ થીમ આધારિત યોજવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા 26 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 9:15 કલાકે કોર્પોરેશનની પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અકવાડા પ્રાથમિક શાળા, અકવાડા ગુરુકુળની પાછળ પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી ઝીરો વેસ્ટ થીમ આધારિત યોજવા માટે સ્ટેજ અને પટાંગણના ડેકોરેશન માટે રીયલ ફ્લાવરનો ઉપયોગ, ફેબ્રિક કાપડ મટીરીયલના બેનર તથા હોડિંગઝ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા પ્લાસ્ટિકના તિરંગાને બદલે ફેબ્રિકના તિરંગાનો ઉપયોગ થશે, પ્લાસ્ટિકના શિલ્ડને બદલે વુડન શિલ્ડથી સન્માનિત કરાશે. મલ્ટીલેયર્ડ પેપર અને રીબીનનો ઓછો ઉપયોગ, પીવાના પાણી માટે પાણીના જગ અને કાચના ગ્લાસ તેમજ હાજર રહેનાર તમામ માટે નાસ્તા માટે છૂટક બિસ્કીટ અને ઉત્પન્ન થનાર કચરા માટે લીલા ભૂરા કલરની ડસ્ટબીન રખાશે.